Friday, October 25, 2019

મેં હીજડા... મેં લક્ષ્મી!

ખાસ તો તહેવારોમાં આપણે સજી ધજી ને બહાર જઈ રહ્યા હોય અને જો કોઈ માસીબા સામે આવી જાય તો મુસીબત આવી જાય! તરત જ બે વિચાર આવે, એક તો કેમ કરી ને છટકવું અને બીજું કે હે પ્રભુ ખિસ્સામાં છુટ્ટા હોય તો સારું નઈ તો મોટી નોટ ની આહુતિ.

આ અનુભવ લગભગ સર્વસામાન્ય છે. અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારના વ્યવહાર થાય છે. એક આપણે ગભરાઈ જઈએ, ખાસ કરીને બહેનો, અને માસીબા જેટલા પૈસા માંગે તેટલા ભયને લીધે આપી દઈએ. બીજું કે હજુ પણ સમાજમાં માસીબા તરફ આદર હોવાથી જે માંગે તે પ્રેમ થી આપી દેવું. અને ત્રીજું છે કે સામે તકરાર કરવી અને કંઈ જ ના આપવું. આ ત્રીજા વ્યવહારમાં મોટાભાગે બોલચાલ, ગાળા ગાળી અને ક્યારેક મારપીટ પણ થઈ જાય છે. જે બંને પક્ષે દુઃખદ અનુભવ હોય છે પણ આપણને એવું લાગે છે આ લોકો(માસીબા) લોકોને હેરાન, પરેશાન કરે છે.

"મેં હીજડા... મેં લક્ષ્મી" વાંચ્યા પછી આ માનસિકતા બદલી જશે તેની ખાતરી છે. ૧૭૬ પન્ના નું આ આત્મવૃતાંત હીજડા સમાજ વિશે ઊંડી સમજ આપનારું ક્રાંતિકારી પુસ્તક છે. આ પુસ્તકની નાયિકા લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પોતે એક હીજડા છે. પરંતુ તેઓ સમાજ માટે બોજારૂપ નથી અને તેમના અથાગ પ્રયત્ન અને મેહનત થી તેઓ સમાજ અને હીજડા સમુદાય વચ્ચે સુમેળનો સેતુ નિર્માણ કરવાનો અદ્વિતીય પ્રયત્ન કરે છે.

મૂળ તો અંગ્રેજી ભાષામાં લખાયેલી આ આત્મકથાનો ઉત્કૃષ્ટ અનુવાદ હિંદી ભાષામાં થયો છે. આ આત્મકથા હીજડા સમુદાય વિશે ઘણી ગેર માન્યતાઓને દૂર કરે છે. ભારત મૂળભૂત રીતે આધ્યાત્મિક દેશ હોવાથી હીજડા સમુદાયને પ્રત્યે આદર ભાવ તો છે પણ સારા વાંચનના અભાવને લીધે આ ત્રૃતિય વર્ગની ઊંડી સમજથી આપણે વંચિત રહી જઈએ છીએ.

"મેં હીજડા... મેં લક્ષ્મી" થકી લક્ષ્મીનારાયણ ત્રિપાઠી હીજડા  શબ્દથી લઈને તેની સમજ, તેનો અનુભવ, તેના સારા અને નરસા પરિણામો, હીજડા ની સ્વ સાથે અને સમાજ સાથેની ઓળખ જેવા અનેક ગહન મુદ્દાઓનું ચિંતન કરવા મજબૂર કરે છે.

અહીં લિંગ અને લિંગભાવ શબ્દો વિશેનો ભેદ બહુ મહત્વનો થઈ જાય છે. આ પુસ્તક વાંચ્યા પછી જ મને પણ સમજાયું કે હીજડા બનવાનુ કારણ એ ફક્ત સજાતીય આકર્ષણ નથી પરંતુ આ તો વ્યક્તિની અભિવ્યક્તિનો પ્રશ્ન છે. ગર્ભધારણની પ્રક્રિયામાં ક્યારેક ક્ષતિ રહી જાય છે અને બાળકમાં જે તે જાતિ અનુસાર તેના હોર્મોન્સ વત્તા ઓછા થઇ જતાં બાળકનું લિંગ તો તેના શરીર મુજબનું હોય છે પણ લિંગભાવ બદલાઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શરીર પુરુષનું હોય પણ લીંગભાવ સ્ત્રીનો હોય છે.

આ પુસ્તક સમાજમાં જાતી (જેંડર) ના નામે થઈ રહેલા શોષણ ને સમજવામાં મદદરૂપ બની શકે છે. આત્મકથાની શરૂઆતમાં જ લક્ષ્મી ઉર્ફે રાજુ જણાવે છે કે તેના છોકરી જેવા હાવભાવને કારણે બહુ નાની ઉમરે જ તેનું યોન શોષણ કરવામાં આવે છે. લક્ષ્મી એ પણ જણાવે છે કે હીજડા હોવાને કારણે સમાજના તમામ ક્ષેત્રોમાં ભેદભાવ સહન કરવો પડે છે. કોઈ નોકરીમાં પણ રાખતું નથી અને તેથી જ હીજડા ઓ માટે ભીખ માંગવા કે શરીર વેચવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.

મજાની વાત તો એ પણ છે કે ભારતીય સમાજમાં હીજડા ને લઈને બહુ ચિંતાજનક વિચારધારા પ્રચલન માં છે. એક તો તેને દૈવીય તત્વ સાથે જોડીને હીજડા ની માણસ તરીકે ની ભૂમિકા સમાપ્ત કરી દેવામાં આવે છે. બીજું આ પ્રકારના દેહવ્યાપાર માં ઘણા લોકો ઉપભોગતા બને છે પણ હીજડા ઓને વ્યક્તિ તરીકે ના મૂળભૂત હક આપવા માટે, તેમના પ્રત્યે સમાનતાની દ્રષ્ટિ થી જોવાની કટિબદ્ધતા તેમનામા માં બિલકુલ જોવા મળતી નથી.

આ પુસ્તકના નાયક લક્ષ્મીનારાયણને હીજડા હોવાનુ ગૌરવ છે. તેઓ પોતાની ઓળખ, અધિકાર, ફરજને બખૂબી નિભાવી જાણે છે. પોતે હીજડા બનીને પણ તેમના ઘરની તમામ જરૂરિયતોને પૂરી કરે છે. પોતાનું કુટુંબ અને હીજડા પરિવાર બંને વચ્ચે સંતુલન જાળવી ને તેમના માટે અથાગ યોગદાન આપે છે. તેઓ એક નૃત્ય કલાકાર છે, નૃત્ય શિક્ષક છે, હીજડા માટે કાર્યરત સંસ્થા ' દાઈ ' ના મુખ્ય સચિવ પણ બને છે. આ સાથે તેઓ હીજડા સમુદાય માટે પ્રખર એક્ટિવિસ્ટ છે.

લક્ષ્મીનારાયણ કબૂલે છે કે કેટલીય વાર તેમને પોતાની શિષ્યોને પોલીસના કબજામાંથી છોડાવવા પોતાના હીજડા હોવાનો દુરુપયોગ પણ કરવો પડ્યો છે. પણ આ તેમના માટે પણ કપરું છે. આખરે તો તેઓ પણ માણસ જ છે. વળી હીજડા સમુદાયના પ્રશ્નોને લઇ લક્ષ્મી યુ. એન સુધી પહોંચ્યા છે. આ માટે તેને અનેક વાર વિદેશમાં જવું પડ્યું છે. અને પોતાના ગુરુ લતા સાથે પણ તકરાર કરવી પડી છે.

"મેં હીજડા... મેં લક્ષ્મી!" થકી આપણે સમાજના હાંસિયા ઉપર વસવાટ કરતા તમામ વર્ગોની પીડા ને વધુ સારી રીતે સમજી શકીશું. જ્યાં સુધી આપણે કોઈ પણ સમાજ કે સમુદાયની જીવનશૈલીને ઊંડાણ થી નહિ સમજીએ ત્યાં સુધી આપણું છીછરું જ્ઞાન સમાજ માટે બેજવાબદાર સાબિત થશે. આ પુસ્તક હીજડા બનવાની પ્રક્રિયા માં સમાયેલ શારીરિક થી માંડીને માનસિક, કૌટુંબિક અને સામાજિક દુઃખો ની ગાથા છે.

આ સાથે જ લક્ષ્મીનારાયણ ના પ્રગતિશીલ જીવન થકી સમગ્ર
ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આશાનું કિરણ જ્વલંત છે તેનો પુરાવો છે. લક્ષ્મીનારાયણ સતત તેના સાથીદારો ને સલાહ આપે છે કે સમાજ થી અળગા રહીને હીજડા ઓની સમસ્યા દૂર નહિ થાય. હવે બાકી આપણા ઉપર છે કે આપણે કઈ રીતે આ વર્ગને સમાજમાં સ્વીકૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.



https://www.dawn.com/news/1210459



No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...