Tuesday, November 05, 2019

હિંદી ભાષાનો ભય


સંસ્થાનવાદીઓ એ આપણને ‘એક દેશ એક ભાષાનો’ વિચાર વારસામાં આપેલો.
ભૂતકાળમાં હિંદી દિવસને અમાંગલિક પ્રસંગ માનવામાં આવતો તેને બદલે આ વખતે હિંદી દિવસની ખાસ નોંધ લેવામાં આવી. હિંદીમાં ટ્વીટ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું કે “આજના સમયમાં દેશને એક કરવાનું સામર્થ્ય જો કોઈ એક ભાષામાં હોય તો તે ભાષા હિંદી છે જે સૈાથી વધુ બોલાય છે. અંગ્રેજી ભાષાનો પ્રભાવ આપણી ઉપર એ હદે છે કે તેની સહાયતા વિના આપણે હિંદી બોલી શકતા નથી.” ગૃહમંત્રી એ એવું પણ કહ્યું કે જનતા એ વિચાર કરવાની જરૂર છે જો પરદેશી ભાષાઓના પ્રભાવમાં આપણી ભાષાઓ લુપ્ત થઇ જશે તો આપણે સંસ્કૃતિથી વિખૂટાં પડી જઇશું.
  તો શું આપણે માની લેવું કે આઝાદીના ૭૨ વરસ પછી પણ દેશની એકતા અપૂર્ણ છે? એવું તો શું છે જે દેશનું વિભાજન કરે છે અને જેમાં એકીકરણની પ્રક્રિયા ભાષા થી જ શક્ય બને છે? વળી આ ભાષા હિંદી જ હોવી જોઈએ?
  નવાઈની વાત એ છે કે પોતાને ત્યાં રહેલી તમામ બદીઓ માટે સંસ્થાનવાદીઓને કારણભૂત માનનારા ભારત ને ‘એક દેશ એક ભાષા' જેવી સંસ્થાનવાદી માનસિકતાને  અનુસરવાની જરૂર પડે છે. ભાષાને લઇ ને આ પ્રકારનું વલણ ભારતને સંસ્થાનવાદ તરફથી મળેલ ભેટ છે. સંસ્થાનવાદી દેશોમાં આધુનિક રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા ગૂંચવણભરી હતી અને તેથી સાંસ્કૃતિક સમાનતાના પ્રશ્નો ઉદભવ્યા. કોઈ પણ દેશ માટે પોતાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાનો અધિકાર ભાષાના લેખિત સ્વરૂપ સિવાય અશક્ય છે. ભાષાઓ અને સાહિત્ય, એક અનન્ય અને મહાન ભૂતકાળથી સાંસ્કૃતિક સાતત્યના આ અભિયાન માટે નિર્ણાયક સાબિત થયા છે. લગભગ બધા જ યુરોપિયન રાષ્ટ્રો એ આ પ્રકારના અભિયાન ચલાવ્યા અને પોતાની વિચારધારાને ગુલામ દેશોમાં પણ વારસામાં આપી. ભાષાઓ અને બોલીઓમાં ઘણું વૈવિધ્ય હોવા છતાં યુરોપીય રાષ્ટ્રો એ એક ભદ્રવર્ગીય અને બીનસમાવે શી અભિયાન વડે પોત પોતાની રાષ્ટ્રભાષાઓ અપનાવી હતી. આજે આ પ્રકારની ભાષાકીય એકરૂપતાનો પ્રતિકાર ઘણાં ક્ષેત્રોમાંથી કરવામાં આવી રહ્યો છે. જેમાંથી એક વર્ગ ભારતમાંથી અન્ય દેશમાં સ્થળાંતર થયેલા લોકોનો છે.  અલબત્ત સ્વીટ્ઝરલેન્ડ જેવો અપવાદ પણ છે જેને કોઈ પણ એક માત્ર રાષ્ટ્રભાષા ન હોવા છતાં પણ દેશની સ્થિતિ પ્રમાણમાં વધુ સ્થિર છે.
  ‘એક રાષ્ટ્ર એક ભાષા’ જેવો એકાકી રાષ્ટ્ર માટેનો વિચાર અંગ્રેજોની દેન છે પણ વક્રોક્તિ છે કે, અંગ્રેજી ભાષાનો દ્વેષ આપણને આ હકીકત તરફ અંધ બનાવે છે. ભારતીય ઉપખંડના ઇતિહાસમાં ક્યારેય પણ એક ભાષા કે એક સંસ્કૃતિ દ્વારા રાષ્ટ્રીય એકતાનું પ્રદર્શન કરવાની જરૂર ઉભી થઇ નથી સિવાય કે છેક સંસ્થાનવાદ પછી.
  આ પ્રકારના અભિયાન હેઠળ મેન્ડરીન, રશીયન કે ઉર્દુ ભાષાને લાદવામાં આવેલી જેના ઉદ્દેશ્યો ભાગ્યે જ સાકાર થયા છે. શું ‘ઉર્દુ’ પાકિસ્તાનને એકસૂત્રતામાં બાંધે છે? સામ્યવાદી, લશ્કરવાદી, જમણેરી કે સમાજ-ઉત્કર્ષવાદી જેવી એકહથ્થુ શાસન કરનારી તમામ વ્યવસ્થાઓમાં બહુમતવાદને લઈને એક ભય સતાવે છે. કેમ કે આ બાબત સમાજના જે-તે સત્તાધારીઓ તરફથી ઊઠતા પ્રશ્નો તરફ લઈ જાય છે. બહુમતવાદને અંધાધૂંધી માનવામાં આવે છે કેમ કે એકસમાન વસ્તુને સરળતાથી કાબૂમાં રાખી શકાય છે. શું આ સંદર્ભમાં આપણા દેશનો ઇતિહાસ, તેના લોકો અને તેમની સંઘર્ષ ભરેલી સંસ્કૃતિઓને ટકાવી રાખવાની જવાબદારી હિંદી ભાષાની હોવી જોઈએ અને શું હિંદી આ કરી શકે?
  શાહની વાતનો ફરી ઉલ્લેખ કરતા, “આપણું પ્રાચીન તત્વદર્શન, આપણી સંસ્કૃતિ અને આઝાદીના સંઘર્ષની ગાથાનું સંવર્ધન કરવા માટે જરૂરી છે કે આપણે આપણી પ્રાદેશિક ભાષાને સુદઢ બનાવીએ અને આપણી પાસે વધુ નહિ પણ એક ભાષા હિંદી તો એવી છે જ જેને રાષ્ટ્રની ઓળખ છે.” આપણું તત્વદર્શન અને આપણી સંસ્કૃતિ શું છે એ ચર્ચાનો વિષય છે. પણ શું હિંદી એ આ પ્રકારના ઇતિહાસનું વાહક બની શકે?
         વાસ્તવમાં હિંદીભાષા શું છે? શરૂઆતની ખડી બોલી બોલનારાઓ અને ઉતરીય ઉપખંડ સહિતના અન્ય વિસ્તારમાં જુદી જુદી ભાષાઓ બોલનારાઓ વચ્ચેની વાતચીતનું વિકસિત રૂપ એટલે આધુનિક પ્રમાણભૂત હિંદી. બોલવામાં આવતી હિંદી ઉપર મોટા પાયે પર્શિયન, અંગ્રેજી અને અન્ય ભાષાઓની અસર છે છતાં હિંદીને લઈને વર્તમાન પ્રોત્સાહન ધારા ધોરણયુક્ત અને સંસ્કૃતમય હિંદીની વાત છે. તમિલ, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓની તુલનામાં  હિંદીનો ઇતિહાસ બહુ તાજેતરનો છે.
          શા માટે આજે આવો પર્વતમાન અને વિભિન્ન ઇતિહાસ મહત્વનો છે? અંગ્રેજીને લઈને શેનો ભય છે? આ મુદ્દો સાંસ્કૃતિક આત્મીયતા સુધી સીમિત નથી પણ તેમાં સામાજિક, આર્થિક અને રાજકીય અસમાનતાઓના કંઈક સંકેતો દેખાય છે. અંગ્રેજીની તુલનામાં હિંદી ઘણી બધી અસમાનતાઓને સૂચિત કરે છે. તો પછી ભારતની અન્ય ૭૮૦ ભાષાઓના સંબંધોમાં પણ ઘણી બધી અસમાનતાઓ હિંદી સૂચવે છે. ખાસ કરીને સંસ્કૃતમય હિંદી તેના જ્ઞાતિ જોડાણને છોડે એવી સંભાવના નહીવત્ છે. તેથી જ તો ભારતની મોટાભાગની લઘુમતીઓ અને મૂળનિવાસી સમુદાયો હિંદીની જગ્યાએ અંગ્રેજીને પસંદ કરે છે. જેમાં જ્ઞાતિના હીનતા ના ભાવ થી દૂર ગતિશીલતા પૂરી પાડવાનો અવકાશ છે.
           વિવિધતાનું આગવું મહત્વ છે. પણ  બોલચાલની દરેક ભાષામાં જ્ઞાનપદ્ધતિઓ ગર્ભિત હોય છે અને આપણે તેના વિશે ચર્ચા કરવાની જરૂર છે. જેમકે ભાષાનો પોતાનો ઇતિહાસ, તેનુ સાહિત્ય (મૌખિક અને લેખિત), તેનો પ્રાદેશિક અર્થવ્યવસ્થા અને લોકોના જીવન સાથેનો સંબંધ; જે રીતથી લોકો પોતાની આસપાસની દુનિયા અને આસપાસની બીજી ભાષાઓ સાથેના સંબંધોને સમજે છે વગેરે. જેમ કે અમેરીકન ભાષાવિદ નેન્સી ડોરીયન લખે છે, “માનવ સમુદાયનો એવો એક મોટો વર્ગ છે જેની ભાષા ઉપર કોઇ પણ પ્રકારનુ જોખમ નથી; આ લોકો માટે પોતાના પૂર્વજોની ભાષાનો ત્યાગ કરી પોતાના સંતાનોને અન્ય કોઈ ભાષા શિખવા માટેની પ્રેરણા આપવાની વાત જ અકલ્પનીય છે.”
  ભાષાઓના સમૂહનો મતલબ છે પ્રતિકાર, અનેક જીવન દુનિયાઓ, જ્ઞાન પ્રણાલીઓ, સશક્તિકરણ અને ગતિશીલતા. આ કારણે જ તો બધા જ એકહથ્થું શાસક રાજ્યો આ પ્રકારના ભાષાકીય સમુહને નાબુદ કરવા મથે છે. પ્રતિકારને જવા દો, પણ કઈ રીતે લોકો અન્ય ભાષાને તેના જન્મજાત બોલનારની જેમ અસ્ખલિત બોલી શકે ખાસ કરીને જ્યારે આ વક્તાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા એક જ હોય? ભાષાઓ અને બોલીઓની નાબૂદી એ આપખુદશાહી તરફનું પહેલું પગથિયું છે.
          સાંસ્કૃતિક અભ્યાસના વિદ્વાન માધવ પ્રસાદ દલીલ કરે છે કે આધુનિક લોકશાહી માટે અંગ્રેજી ભાષા અભિશાપ છે કેમકે બહુમતી ભારતીય સુધી તે પહોંચી શકતી નથી. તો શું હિંદીને લોકશાહી માટે વરદાન ગણી શકીએ? વર્તમાન સરકારની શિક્ષણ અને ભાષા સહિતની તમામ નીતિઓ જોતા હિંદીના પ્રોત્સાહનમાં લોકશાહીનો ઉદેશ્ય શોધવો પડે.
  ભાષાશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર અને આનુવંશિકશાસ્ત્રમાંથી માહિતી પ્રાપ્ત કરી ટોની જોસેફ નિર્દેશ કરે છે કે કઈ રીતે હડપ્પીય સભ્યતા એ સંસ્કૃત/ વૈદિક સંસ્કૃતિની પુરોગામી છે. તેનો મતલબ કે સંસ્કૃત ક્યારેય પણ હડપ્પીય સભ્યતાની ભાષા ન હતી. ઘણા બધા સૂચકો મુજબ હડપ્પીય સભ્યતાની વણઉકેલાયેલી અસલ ભાષા દ્રાવિડીયન છે. તો શું આપણે રાષ્ટ્રીય ભાષા તરીકે દ્રાવિડીયન ભાષાજૂથ કે કોઈ એક દ્રાવિડીયન ભાષાને ઘોષિત કરીશું? મારો મત મારી ભાષા ‘કોડવા’ માટે છે.

                   અનુવાદક- અલ્પેશકુમાર એન. મકવાણા
અંગ્રેજી સમાચારપત્ર ‘ધ ઇન્ડિયન એક્ષપ્રેસ’ સપ્ટેમ્બર ૨૦, ૨૦૧૯. લેખક સૌમ્યા દેચામ્માના સૌજન્યથી 

No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...