Friday, November 15, 2019

રામ તમે ક્યારે પાછા આવશો?

ચૌદ વરસનો વનવાસ કરીને રામ અયોધ્યામાં પાછા ફર્યા પરંતુ અયોધ્યાના રહેવાસીઓના માનસપટ ઉપરથી રામ ક્યારેય દૂર ગયા જ ન હતાં. કહેવાય છે કે જ્યારે રામ તેમના પિતા દસરથ ની આજ્ઞા લઈને જંગલ તરફ જવા નીકળ્યાં ત્યારે સમગ્ર અયોધ્યાના લોકો પણ તેમની સાથે જંગલમાં જવા માટે નીકળી પડેલાં અને રામે તમામ સ્ત્રી અને પુરુષોને અમુક અંતરથી અયોધ્યામાં પરત ફરવાનો આદેશ કર્યો.

રસપ્રદ લોક વાયકા છે કે રામ જ્યારે ૧૪ વરસ પછી પરત ફર્યા તો અમુક પાવૈયા(થર્ડ જેન્ડર) ત્યાં ને ત્યાં જ હતા. કેમ કે રામના અયોધ્યા પરત ફરી જવાના આદેશમાં ફક્ત સ્ત્રી અને પુરુષનો જ ઉલ્લેખ હતો. અને તેથી જ આ પાવૈયાઓ તે સ્થળ ઉપર જ ૧૪ વરસ સુધી રામની વાટમાં બેસી રહ્યા.

આ સમગ્ર વાતનો સાર તે છે કે રામનો પ્રેમ અને રામ નામના અર્થની સમજણ બહુ ઊંડો વિષય છે. ધર્મ, નાત, લિંગ કે અન્ય કોઈ પણ જાતના ભેદભાવ વડે રામના નામનો કરવામાં આવતો દુરૂપયોગ તે રામની ભક્તિ હોઈ ના શકે. કટ્ટરતા દ્વારા રામરાજ્યની પરિકલ્પના કરવી એ નક્કર મૂર્ખાઈ સિવાય બીજું કંઈ નથી.

કોઈ પણ ધર્મમાં સામાન્ય રીતે બે વિચારધારાઓ નીકળતી જોઈ શકાય છે. એક વિચારધારા સામાન્ય લોકોમાં નૈતિકતાનું ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે અને બીજી વિચારધારા અમુક ચોક્કસ બુદ્ધિજીવીઓ માટે જ્ઞાન પીપાસાનું કાર્ય કરે છે. ત્યારે સમાજના બુદ્ધિજીવી વર્ગની ફરજ બને કે ધર્મની સાચી સમજણ સમાજમાં ફેલાવવાનું કાર્ય કરે નહીતો તેના દુષ્પરિણામો આવી શકે છે. શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જણાવે છે કે મુશ્કેલી તે નથી કે સમાજમાં અધર્મ વધી ગયો છે પણ તકલીફ એ છે કે લોકો વિધર્મ ને ધર્મ માની બેઠા છે.

ગતિશીલતા વિનાનુ જીવન તો વ્યક્તિગત ધોરણે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે તો પછી સામાજિક કક્ષાએ તો તેની કલ્પના પણ ભયંકર લાગે! ૯ નવેમ્બર, ૨૦૧૯ ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા આવ્યાને  હજુ તો અઠવાડિયું પણ નથી થયું અને મંદિરના ટ્રસ્ટની માલિકી ને લઇ જુદા જુદા સાધુઓ અને અખાડાઓ વચ્ચે તું તુ મેં મે ચાલુ થઇ ગઈ છે.

બહુ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે જો રામભક્તિ આ રીતે ચાલશે તો રામ ફક્ત કર્મકાંડ રૂપે મંદિરમાં જ સીમિત રહી જશે અને ખરેખર તો લોક હ્રદય સુધી રામને પહોંચાડવાની વાત કે ગાંધીનું રામરાજ્યનુ સપનુ ફક્ત સ્વપ્ન જ બની રહેશે.

No comments:

Post a Comment

Kite Accidents

     India is well-known for the rich circulation of festivals throughout 365 days. Diwali, Holi, Onam, Eid, Christmas, Navratri etc, are so...