Friday, February 21, 2020

માતૃભાષા

૨૧ ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. ૧૭ નવેમ્બર, ૧૯૯૯થી યુનેસ્કો દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉજવણીનો હેતુ આ વ્યાપક વિશ્વમાં ભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓના મહત્વની સમજ કેળવવાનો અને સ્વીકાર કરવાનો છે.

૨૦૨૦ વર્ષની માતૃભાષા દિવસની થીમ ' સરહદ વિનાની ભાષાઓ ' છે. જે સરહદી ઝઘડાઓના નિરાકરણ માં સ્થાનિક ભાષાઓની ભૂમિકામાં રહેલો વિશ્વાસ છે.

' જો તમે સામાં વાળા ને સમજણ પડે તે ભાષામાં વાત કરો તો તે તેના ભેજામાં ઉતરે છે પણ જો તમે સામા માણસની ભાષામાં વાત કરો તો તે તેના હૈયામાં ઉતરે છે .' પ્રસ્તુત શબ્દો મહા માનવ નેલસન મંડેલાના છે. જગ વિખ્યાત આધુનિક અંગ્રેજી કવિયત્રી વર્જિનિયા વૂલ્ફના મતે ભાષાએ હોંઠ ઉપરની મદિરા છે.

માતૃભાષા પ્રત્યે લગાવ નું એક સાદું સીધું કારણ છે તે પિતૃ ભાષા નથી. તેમાં કોઈ પરિશ્રમ નથી, કોઈ ભય નથી. હાથનું કામ પ્રકૃતિમાં પરિશ્રમ કરી ઉપાર્જન કરવાનું છે, માતૃભાષા વડે આ પ્રકારના તમામ કાર્યોનું સામૂહિક પરિવહન શક્ય બને છે અને જાણ્યે અજાણ્યે સમાજ નિર્માણની પ્રક્રિયા થાય છે.

આજે યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ભાષાની વિભિન્નતા ને માન આપે છે અને જુદા જુદા લોકો વચ્ચેના સાંસ્કૃતિક ભેદને સ્વીકારવાની અને સમજવાની ભલામણ કરે છે. તો ચાલો પોતાની માતૃભાષાનું ગૌરવ લઈએ અને સાથે સાથે આપણાથી ભાષાકીય ભિન્ન લોકોને પણ સહજ સ્વીકારીએ.

No comments:

Post a Comment