Sunday, October 13, 2019

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર

ગુજરાતી ભાષા ભવન, આશ્રમ રોડ અમદાવાદ ઓક્ટોબર ૧૩, ૨૦૧૯

આજ રોજ બહુજન સાહિત્યના અનુવાદના સંદર્ભમાં એક નાનકડા સેમિનાર બોપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી યોજવામાં આવ્યો. આ સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે યશવંત વાઘેલા, ડો. પી. જી. જ્યોતિકર, મુળજીભાઈ ખુમાણ અને રાજુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા. આ સેમિનાર નો હેતુ વિશેષ તો આંબેડકરના વિચારોના ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદ અને તેમાં રહેલી ક્ષતિ ઉપર ધ્યાન દોરવાનું હતું. આ ઉપરાંત  સેમિનારમાં આંબેડકર દ્વારા લખાયેલા પુસ્તકોનો નવેસરથી અનુવાદ કરવાનું સૂચન પ્રસ્તુત કરવામાં આવ્યું.
            પ્રસ્તુત વિષયના સંદર્ભમાં શ્રી યશવંત વાઘેલાએ અનુવાદની પાયાની માહિતી આપવાનો પ્રયાસ કર્યો. તેઓએ અનુવાદ એટલે શું? અનુવાદમાં ભાષાનું મહત્વ, સંસ્કૃતિ નું મહત્વ,અનુવાદના પ્રકારો જેમકે ભાવાનુવાદ, શબ્દાનુવાદ, રૂપાંતરણ, છાયાનુવાદ વગેરે વિશે ચર્ચા કરી.
               ડો. પી. જી. જ્યોતિકરે આંબેડકર ઉપર ગુજરાતી ભાષામાં લખાયેલ પુસ્તકોમાં રહેલી કચાસ માટે ગુજરાતના દલિતોમાં વાંચનની ખામીને જવાબદાર ગણાવી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થઈ ગયેલ દલિત આગેવાનો ઉપર પણ સંશોધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
                શ્રી રાજુભાઇ સોલંકીએ ૧૯૯૫ના દાયકામાં આંબેડકરના વિચારોના અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે આ પ્રકારના નિમ્ન કક્ષાના અનુવાદ વાંચીને ઘણા લોકોને આંબેડકરની લખવાની શૈલી પર પ્રશ્ન ઉભો થાય છે. રાજુભાઇ એ વિશેષમાં જણાવ્યું કે આંબેડકરનું લખાણ વિક્ટોરિયન યુગનું છે જેમાં એક વાક્ય એક ફકરા જેટલું લાંબુ અને જટિલ હોય છે. તેમણે દલિતોમાં અંગ્રેજી ભાષાના મર્યાદિત જ્ઞાન વિશે ખેદ વ્યક્ત કર્યો.



               

No comments:

Post a Comment